સૂરજને ઠેઠ સાંજે

રાજેન્દ્ર શુક્લ

 

સૂરજને ઠેઠ સાંજે એની ખબર પડે કે,

કોઈ કિરણની ચાદર વણતું રહે સવારે.

 

સપનાં ભરીને ઊંટો ચાલ્યાં જતાં ઝડપથી,

રેતીમાં કોઈ પગલાં ગણતું રહે સવારે.

 

તૂટ્યાં કરે કોઈનાં મોંઘાં સમયનાં મોતી,

એકાંત આંગણાંનું ચણતું રહે સવારે.

 

રાત્રી વીતે છતાં મનનાં સૂનાં સ્મશાને,

કોઈ હજીય મંત્રો ભણતું રહે સવારે.

 

અંધારું ગાઢ આંખે આંજી અને પછીથી,

કોઈ લચેલ ક્ષણને લણતું રહે સવારે.