ઈચ્છાની આપમેળે

રાજેન્દ્ર શુક્લ

 

ઈચ્છાની આપમેળે એણે દડી ઉછાળી,

બહુ એકલો હતો એ ને પાડવીતી તાળી.

 

મૂળ શબ્દ ઊપન્યો કે તણખો  કીઘો અફાળી,

કંઈયે હતું નહીં ત્યાં દીધું બધું ઉજાળી.

 

કૂંપળ થઈને કોળ્યો, ઝૂલ્યો થઈને ડાળી,

ફલછોડ થઇને આખર મઘમઘ થયો છે માળી.

 

કરતા અકરતા બંને છે, ને નથી કશું યે,

વીંટળાઈ ખુદ રહ્યો છે, છે ખુદ રહ્યો વીંટાળી.

 

અંદર ભરાઈ સઘળે મલકે છે મીઠું મીઠું,

કેવો ગતકડું એનું ખુશ થાય છે નિહાળી.